પૃષ્ઠ:Rasbindu.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુર્જર ભાવનાને અમે ચીવટાઈથી વળગી રહ્યા–જો કે એ ખેતરમાં આવેલા ઝૂંપડામાં રહેતી એક વૃદ્ધ બાઈ અમારું કામકાજ કરતી હતી. એટલે તે છેક અજાણી તો ન જ કહેવાય.

થોડી વારે ઝધડો પતી ગયો. હકીમને હાકોટો ઝઘડો બંધ થવામાં ખૂબ કામ લાગ્યો હશે, એમ વિચારી મુસ્લિમ ઉગ્રતા ઉ૫૨ અમે અમારું ગુજરાતી હાસ્ય હસ્યા. મારા મિત્રે પૂછ્યું : ‘પેલો હકીમ શા માટે વચ્ચે પડ્યો હશે ?’

મેં જવાબ આપ્યો : ‘મિયાંભાઈ ખરા ને !’

અડધા કલાકે કામ કરનારી બાઈ આવી; તેને કપાળે રૂ લગાળેલું હતું, એટલે મને લાગ્યું કે મારામારીમાં એને પણ વાગ્યું હશે.

મેં પૂછ્યું : ‘બાઈ ! શાનો ઝઘડો કરતાં હતાં ?’

તેણે દુ:ખભર્યું હાસ્ય કરી મને કહ્યું : ‘કાંઈ નહિ સાહેબ! એ તો સહજ.’

‘શાનું સહજ ? તમારા માથામાંથી તો લેાહી નીકળે છે!’

તેણે સ્વાભાવિક રીતે પોતાનો હાથ ઘા ઉપર લગાડ્યો, અને કહ્યું : ‘સારું થયું કે પેલા સાંઈ વચ્ચે પડ્યા, નહિ તો આજ કાંઈનું કાંઈ થઈ જાત.’

‘કાંઈનું કાંઈ એટલે ?’ મેં પૂછ્યું.

‘મારામારીમાંથી ખૂન પણ થઈ જાય. તે વખતે ઓછું કોઈને ભાન રહે છે !’ બાઈએ કહ્યું.

‘પરંતુ ઝગડો શાનો હતો ?’ મેં પૂછ્યું.

‘ઝઘડો પૈસાનો. બીજો શાનો હોય ?’

‘કેટલા રૂપિયા માટે આ મારામારી થઈ ?’

‘ચાર રૂપિયાનો સવાલ હતો. બાર રૂપિયામાંથી આઠ તો આજે આપ્યા, અને પાંચ દિવસ પછી બાકીના આપીશ એમ કહ્યું. પરંતુ એને તો આજ જોઈતા હતા.’

‘માગનાર કોઈ પઠાણ હતો શું ?’ મેં પૂછ્યું.

‘ના રે ના ! માગનાર તો મારી બહેન હતી.’