આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
રાસચંદ્રિકા
પોયણી
♦ ગોવાળિયે ઘેલાં કીધાં રે. ♦
નીચે ઊભી હું ડોલું નીરે,
ચાંદલિયે આંખો ઠરી રે ! -
સોના રૂપાથી ઘડ્યું નાવડું એ આવશે,
વહાલમ હંકારે ધીરે ધીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૧
જ્યોતિનાં મોતી તરે આભને સરોવરે,
નાખશે ત્યાં જાળ તદબીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૨
ગરશે કૈં મોતી નીચે મારે સરોવરે,
ઝીલી તે રાખું મારાં ચીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૩
પૂઠે એ ખોળતો ત્યાં આવે ચાંદલિયો,
ડુબકી ભરે હો નીરે તીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૪