પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃથ્વીકુંજ
૯૭
 

લીલા વનના હીંચકા ને લટકાળા મોર,
મારે મંદિર કો મહાલે એવા ચિત્તડના ચોર :
સખી ! પંખીડું કો હીંચે મારે બારણે રે લોલ. ૫

વીંધતી વસંત ફોરે કુંજે કુંજે ફૂલ,
મારી કીકીના પલકારમાં તો દુનિયા છે ડૂલ :
સખી ! પંખીડું કો થંભે મારે બારણે રે લોલ. ૬

ચંબેલીના તારલા ને મોગરાના ચંદ,
મારે નેહે ખીલે સાથે એવાં તેજ ને સુગંધ :
સખી ! પંખીડું કો ઝીળે મારે બારણે રે લોલ. ૭

આંબે આંબે કોકિલા ને વડલે વડલે વાત,
મારાં નેણમાંનું નામ બોલે દિવસ ને રાત :
સખી ! પંખીડું કો ટૌકે મારે બારણે રે લોલ. ૮

હિમાલયના હંસલા ને માનસરના તીર,
આભે ઊડી જાઉં એવી મારા આત્માની અધીર !
સખી ! પંખીડું કો પેસે મારે બારણે રે લોલ. ૯