પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગૃહમંડપ
૧૪૧
 


આવો વીરા ! બાંધું હાથમાં રે,
બહેનીનો સ્નેહઝલકાર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
તૂટ્યા ન તૂટે કોઈથી રે,
ભાઈ બહેનના એ તાર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૫

મોંઘી બળેવની રાખડી રે,
મોંઘા બહેનાંના ઉરભાવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
મોંઘો તું વીર કુલદીવડો રે,
મોંઘા જીવનના એ લહાવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૬

વહેજો અભય તારી વાટડી રે,
જળજો અખંડ તુજ જ્યોત રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
ભવમાં અદ્દલ પ્રભુ ! રક્ષજો રે
બહેનીની એકલ ઓથ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૭