પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોપકુંજ
૧૫૧
 



ગોપિકા

♦ ગરબી - રાગ માઢ . ♦


મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે !
તારી વાંસલડી સુણી આજ, હૈડાં ઢળકે રે !—

મારી વાવડિયોનાં શુદ્ધ ગોરસ મીઠડાં રે,
તારી બંસરીએ લૂંટી બુદ્ધ, પડતાં દીઠડાં રે !

ડાળે ડાળે મંજરી હાલે ઝૂલી પૂર:
બોલે બોલે બંસરી સુણતાં ડોલે મારું ઉર:
–હૈડાં ઢળકે રે !

મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે ! ૧

આછી આછી ઉષાની રેલ જગમાં ધસતી રે
મોંઘા મધુવનમાં કરે ખેલ હસતી લસતી રે:
એવી વેળ ભર્યાં મુજ એહ ગોરસ મીઠડાં રે,
તારી વાંસલડે સુણી તેહ પડતાં દીઠડાં રે !

કિલકિલ કરતી કોકિલા પળપળ દે પ્રતિસૂર:
જળથળ ઝૂમે કોડિલાં, સુણતાં ઘૂમે મારું ઉર:
–હૈડાં ઢળકે રે !

મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે ! ૨