પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોપકુંજ
૧૬૧
 


જો રે મહિયારણ ! હૈયાં લોભાવણ !
મહીડાં ચાખ્યે ન દાણ ચૂકે રે લોલ
તું રે ભોળી શું એમ ભૂરકી ભરમાવતી !
મહીડાંમાં એ શું હૈડાં મૂકે રે લોલ ? -
જો રે મહિયારણ ! ૪

શાણા શામળિયા ! દાણી દૂધલિયા !
ગોરસ છે મારાં અતિ ગોરાં રે લોલ
આવો, બેસાડું ઘડી મારી મટુકીમાં,
છેતરાશે ગોકુળનાં છોરાં રે લોલ ! -
શાણાં શામળિયા ! ૫

વાહ રે મહિયારણ ! ગોકુળ ઉજાળણ !
કાળાં ગોરાં શું દાણ માટે રે લોલ?
હું તો શામળિયો ને તું તો છે ગોરડી,
મહીડાં ને લેઉં હૈડાં સાટે રે લોલ ! -
વાહ રે મહિયારણ ! ૬

ઠગણા શામળિયા ! કપટી પાતળિયા !
જુગની ઠગાઈ મેં તો જાણી રે લોલ !
હૈડાં દીધાં ને દીધા પ્રાણ પણ દાણમાં:
લ્યો, લ્યો ચતુર મારા દાણી રે લોલ !
ઠગણા શામળિયા ! ૭