પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૮
રાસચંદ્રિકા
 



દિવ્ય રથ

♦ માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે. ♦


વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !
ચમકે રવિનાં તેજ સમો અનુપમ ચમકાર !
અમીશાં અજવાળાં ઠારે અંતરની આંખડી,
ચૌદે રત્નતણો શો ભીડભંજન ભંડાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

આવો, પ્રિયતમ ! એ રથમાં અંતર પધરાવિયે !
મનહર મહિમાવાન મહા એ જગમોઝાર !
ઋષિ મુનિ સંતજનોની નિર્મળ ઉર જ્યોતિ દીપે,
તેમાં આવો, ફરિયે કરતાં આત્મવિહાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

પુણ્યરકાશિત પ્રભુનો મણિમંડપ રળિયામણો,
તેનાં સૂર્યપ્રભાશાં દિવ્ય ઝળકતાં દ્વાર;
વિશ્વવિરાજિત એ શોભાની છાંયે મહાલવા,
ચાલો, વહાલા ! એ રથમાં કરિયે સંચાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !