પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૧૯૯
 


ઘૂ ઘૂ ઘોર ગરજતા ગમ્ભીર જગસાગરતટે,
અમૃતસ્મિત ઝરતાં ખીલે કુસુમો સુકુમાર;
તેનો નિત્યવસંતસુગંધ રસે ભરવા ઉરે
હૃદયો ગૂંથી ચાલો જઇએ પ્રાનધાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

જીવનદેવ ! પ્રયાણ નથી જ સુકર ને સોહ્યલું:
જંગલ, ઝાડી, કોતર, ડુંગર, ખાડ અપાર !
મોંઘો, કોમળ, પુણ્યપ્રભાભર રથ ત્યાં આપણો
નિર્વિધ્ને અણીશુદ્ધ ચલવવો પ્રભુઆધાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

કંટકમાર્ગ કઠોર વિકટ છે એહ પ્રયાણનો :
અનિલો ઘૂમે ને આકાશ વહે અંધાર:
તેમામ્ સાચવજો, પ્રાણેશ્વર ! પાર ઉતારજો,
દિવ્ય, સુરમ્ય, અમૂલખ રથ એ સર્વપ્રકાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

ચાલો, વહાલ ! ધીરા વીરા, મુખ મલકાવતા !
ઊંડા ઊંડા છે હ્રદયોના અમીઉચ્ચાર :
હૈયાંહેત ઝરંતી આંખડલી આ આપણી
મધુરાં અજવાળાં કરશે કંઇ ઠારોઠાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !