પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૮
રાસચંદ્રિકા
 



રૂસણાં ઉતારો

♦ અમ રે સાથે શું રાજ ! માયા ઉતારી? . ♦


હસ્યાં આકાશ, રેલી લાલી ગોરજની;
વસમી તે નહોય કાળી રજની:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો !

મીઠી છે ભૂખ, તેમ રૂસણાં યે મીઠાં:
રૂસણાં પછીનાં મિલન દીઠાં ?
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો !

કહો તો આ આભલાંની આપું પિછોડી :
ગૂંથું ત્યાં મેઘધનુ તોડી;
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો !

કહો તો નભગંગનો બનાવું કંદોરો;
કહો તો દઉં તારલાનો તોરો;
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો !