પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૪
રાસચંદ્રિકા
 


વનનાં ઊંડાણમાં રે કે કોકિલ બોલે, વહાલમજી,
વહેતી એના ટહુકાની ધાર વનરસ ઢોળે, વહાલમજી;
અંતરના ગોખમાં રે કે બોલે કોક પંખી, વહાલમજી,
વહાલભર્યા ઊંડા ભણકાર, એના રહું ઝંખી, વહાલમજી. ૧૫

આભલાંની ઓઢણી રે કે સરતી શશિદેહે, વહાલમજી,
ઊડતી એની રૂપેરી કોર દૃષ્ટિ ભરે લેહે, વહાલમજી;
ઘડીના એ મોહ તો રે કે આંહી ઊડી જાશે, વહાલમજી,
ચંદ્રને જ ભાળજો ચકોર ! એ જ અમી પાશે, વહાલમજી. ૧૬

લક્કડની વાંસળી રે કે ઘડી કો સુતારે, વહાલમજી,
સુંદર છે ઘાટ અને રંગ, કળા કીધી ભારે, વહાલમજી;
આત્માનાં ગાન તો રે કે વહેશે જેવાં હઇયે, વહાલમજી,
ઝીલે જેવાં વાંસળીનાં અંગ, સૂર તેવા લહીએ, વહાલમજી! ૧૭

પૂનમનો ચાંદલો રે કે આભને માથે, વહાલમજી,
રહેજો સૌભાગ્ય મારાં એમ, કુંકુમ સાથે, વહાલમજી!
ગગનના જેવી રે છાંય સદા રાખો, વહાલમજી!
અદ્દલ નિભાવજો આ પ્રેમ, ભવબવ લાખો, વહાલમજી! ૧૮