પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૪૧
 



વિજોગિની

♦ રાગ માઢ - દોહરો*[૧]


મારા પરદેશી હો પંખીડાં !
વહાલા ! આવોની હવે ઘેર !
કરું પળપળ જળતી ઝંખના :
વહાલા ! લાગે આ જીવન ઝેર ! —

કડકડ ધ્રૂજતી ગઈ સંક્રાંતિ ને ભડભડતી હોળીની ઝાળ;
ધગતા વાયુમાં ધીકી વૈશાખે, જેઠના જોયા જુવાળ :
વહાલા ! આવોની હવે ઘેર !

સરસર કરતો શ્રાવણ સરક્યો ને ભાદર વરસે ભોમ;
ચમચમ ચમકે વીજળી, મારાં ઊઠે રોમેરોમ !
વહાલા ! આવોની હવે ઘેર !

એક અંધારી ઓરડી ને બીજી અંધારી રાત;
ત્રીજી અંધારી વિજોગિની, એની ધ્રૂજે એકલડી જાત !
વહાલા ! આવોની હવે ઘેર !

આવનજાવન કહી ગયા ને દઈ ગયા કોલ અનેક;
માસ વીત્યા ને વર્ષ વળ્યું, થયા કેમ નમેરા છેક?
વહાલા ! આવોની હવે ઘેર !


  1. ** એક જૂના રાજસ્થાની ગીત પરથી ઉધ્દૃત.