પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાસચંદ્રિકા
 


માનવના મંદિરમાં સરતા,
ડગલે ડગલે રસરસ ભરતા,
રેલંતા એ સૂર મધુર સુરધામના રે :
તે મુજ કામના રે.

સખિ ! ઉરમાં એ સૂર ઉતારું,
હૈયું ધબધબ ધબકે મારું,
રાગ રચું નવલા વહાલાના નામના રે :
તે મુજ કામના રે.

સખિ ! સંધ્યા જો, રંગ મચાવી,
એ સ્વરમાં નિજ ઉર સમાવી,
જોવા ચાલી દીવા દિવ્ય મુકામના રે :
તે મુજ કામના રે.

એ સંધ્યા સંગે હું જાઉં,
શ્યામુરે રસપૂર સમાઉં :
વહાલે સૂર સદા ઝીલું વિશ્રામના રે !
તે મુજ કામના રે.