પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૦
રાસચંદ્રિકા
 


ઘેરું ઊભું છે આભ જગ ઘેરીને,
વહાલીડાં ! કેમ કરીએ ?
બાંધ્યા દિશા દિશાના દોર :
વહાલીડાં ! કેમ કરીએ ?
વેરે ધગધગતી આગ કે મેહુલા,
વહાલીડાં ! કેમ કરીએ ?
નિભે ક્યાં લગ માનવનું જોર ?
વહાલીડાં ! કેમ કરીએ ?

તપે તાપ બધા તો સામટા :
વહાલીડાં ! કેમ કરીએ ?
કદી વરસે તો પ્રલયે તણાય :
વહાલીડાં ! કેમ કરીએ ?
મૂંગે મુખે જોવું ને સાંખવું,
વહાલીડાં ! કેમ કરીએ ?
જેના જડે ન કોઈ ઉપાય :
વહાલીડાં ! કેમ કરીએ ?

ઢાંકો ઢાંકો તોય અંતર ઊભરે,
વહાલીડાં ! કેમ કરીએ ?
એવી હૈયાની હઠીલી રીત :
વહાલીડાં ! કેમ કરીએ ?
સ્મરણ આવે આવે ને આથડે,
વહાલીડાં ! કેમ કરીએ ?
ક્યાં છે અદ્દલ જીવનની રીત ?
વહાલીડાં ! કેમ કરીએ ?