પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
 



નાચ

♦ ઝીણા ઝરમર વરસે મેહ. ♦


એક રસિયો રહ્યો દૂર દૂર,
થનગન નાચે રે !
એના નાચે જગત ચકચૂર,
રસભર રાચે રે ! -

રસિયો નાચે પ્રીતિના ચોકમાં,
જાગે જગત ઝમકારે રે ;
પદે પદે નવજ્યોતિ ઝરે ઊંડી,
જાગે જીવન અમીધારે :
હો ! થનગન નાચે રે ! ૧

નાચે આકાશ, નાચે તારલા, ને
નાચે સૂરજને ચંદા રે;
નાચે ધરા, નાચે સિંધુનો ધમકતો,
હૈયે મારે નાચે પડછંદા :
હો ! થનગન નાચે રે ! ૨

ઊંડે આંનંદ એક નાચે અલબેલડો,
રેલે અખંડ રસહેલી રે;
ભરતી ભરાય જગઅંગે ઊછળતી,
રંગે ભીંજાય ઘેલી ઘેલી :
હો ! થનગન નાચે રે ! ૩