પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
રાસચંદ્રિકા
 


નંદનવનથી મોંઘી છે ગુર્જરી
ગરબો ગરબી રાસથી જી રે :
ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી
ગુર્જરી રાસના ઉલ્લસથી જી રે ! ૪

સારા સંસારના તાપથી તારવા
સૂરના ફુવારા ઉડાડજો જી રે;
કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં,
રસની પરબ કંઇ માંડજો જી રે ! ૫

આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં
હાથમાં આવ્યા તારલા જી રે :
રસની રસીલી સૌ સજનીઓ આવજો,
કંઠે ઝુલાવજો એ હારલા જી રે ! ૬

ચાંદની રાત ને કેસરીઆ તારલા;
રુમઝુમ રુમઝુમ ખેલજો જી રે :
ઉરને આંગણે ધમકે ધમકતાં
અદ્દલ આનંદે રેલજો જી રે ! ૭