પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આમંત્રણ
૩૫
 


શોભાવ્યા ઇંદ્રે નિજ દ્વારકમાનમાં
ઝળગળતા ઊંડા ઘેરા બહુ રંગ જો -
નવનવલા કંઇ રસરંગ જો :
એ રંગે કંઇ ચીતર્યાં છે અમ બારણાં,
જોતાં મોહ્ય જગત એ જ્યોતિ સંગ જો :
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૩

કોમળ કમળ સરિખડાં અમ ઉરબારણાં;
સંભાળે કંઇ રત્ન અલૌકિક માંહ્ય જો -
કંઇ રત્ન અમોલાં માંહ્ય જો :
ધીરાં રે ધીરાં, વહાલાં, ઉઘાડજો !
સૂક્ષ્મ પ્રભા સહેજે વેરાઈ જાય જો :
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૪

આવો આવો તો કંઇ કંઇ નવલું આપશું;
અંતરમાં પૂરીશું અમ અમીધાર જો -
અમ સ્નેહઝરણ અમીધાર જો :
નભ ફેડી સુરવનમાં પાર ઉડાવશું :
આવો આવો, પ્રિય અમ કુંજાગાર જો !
આવો, વહાલાં, આજ અમારે આંગણે !
આવો, વહાલાં, રમ્ય અમારે આંગણે ૫