પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
રાસચંદ્રિકા
 


આવે આવે ને શમે જુગજુગનાં સોણલાં,
પલકે દીઠાં-અણદીઠાં રે;
જોગી છુપાયો મારી પાંપણની ધારમાં,
સરતાં આંસુ ત્યાં મારાં મીઠાં :
હો ! ભીંજે મારી આંખડલી ! ૩

હીરગૂંથી છે મારી ઘેરી રસચૂંદડી'
ધનગૂંથી છે મારી માળા રે;
ખૂંચે શણગાર જેને હૈયે સૂનકાર હો :
રહેતા શેં જોગી એ નિરાળા ?
હો ! ભીંજે મારી આંખડલી ! ૪

આધા આધા છે તોય પંથ છે પાસે;
અદીઠ તોય વાયુ જેવા રે;
અળગી રાખીને સદા અળગા રહે હસતા :
એ રે જોગી શેં મારા એવા ?
હો ! ભીંજે મારી આંખડલી ! ૫

આવો, આવો રે જોગી ! હૈયાં ખોલાવો;
તપી તપીને નેણાં તૂટ્યાં રે;
સંધ્યાના જેવાં સૌમ્ય તેજે રેલાવો !
રહીએ અખંડ અણછૂટ્યાં !
હો ! ભીંજે મારી આંખડલી ! ૬