પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
રાસચંદ્રિકા
 

મોડી વહેલી રોજ એ કુંભ લઈ જાઉં,
ભાંડુડા મારાં ઠારવા રે લોલ,
ગોરાં ગોરાં અમૃત એ સૌને હું પાઉં,
તે ઘેનને ઉતારવા રે લોલ ! ૨

ઊંચો મારો સાસરિયાનો માળો,
મઢેલો તારાફૂલડે રે લોલ;
તેમાં મારો હીંચકો બાંધી રઢિયાળો,
ઝૂલું હું કરઝૂલડે રે લોલ;
હાથે લાગ્યાં ફૂલડાં ચૂંટી ચૂંટી
હું વેરું માને આંગણે રે લોલ,
હીંચી ઘડી ત્યાંથી જાઉં નીચે છૂટી
માતાને પાયલાગણે રે લોલ ! ૩

ઘેરી લહેરી સાસરિયાની વાતો
બતાવું નહીં ખોલીને રે લોલ,
રાતો રાતો જ્વાલામુખી ઉર છાતો
સુધાએ રાખું બોળીને રે લોલ !
એક તો મેં સેવાનાં વ્રત લીધાં,
તે ઘૂમી ઘૂમી પળવાં રે લોલ,
સાચાં મારા હેવાતણ એ કીધાં :
ઉભય કુળ ઉજાળવાં રે લોલ ! ૪