પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
રાસચંદ્રિકા
 


કે વાદળ વાદળ કૂદતી ઊતરું રે,
કે રજથી રાતાચોળ કપોલ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ;
કે દૂરથી જોતાં ઓળા ભાગતા રે,
કે આવ્યો રંગતણૉ વંટોળ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૩

કે વૃક્ષ હીંચોળી નાખું સ્વર્ગનું રે,
કે જગ પર વેરું તેના મૉર :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ;
કે વહાલાં ! લૂંટજો એ આનંદને રે,
કે આશાને મૉરે આઠે પહોર !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૪

કે આભે પાડું પ્રતિબિંબ સ્વપ્નનાં રે,
કે તેશું રમતાં રહો જન સર્વ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે !
કે આવો મારા કુંકુમ મહોલમાં રે,
કે દિન દિન ઊઘડે મુજ નવપર્વ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૫