પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ચોકપ્રવેશ


રાસ અને ગરબાની લલિત રસકુંજ ગુજરાતની પરમ આનંદદાયક વિશિષ્ટતા છે. પરપ્રાંતના યે જે જે રસિકજનોએ એ રસકુંજમાં વિહાર કરીને તેની મોજ ચાખી છે, તે તે સર્વ તેનાથી અતિ તુષ્ટમાન થઇને ફરીફરી તેનો લાભ લેવા ઉત્સુક રહે છે. શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના રાસની કલ્પના મૂર્ત્તરૂપે ખરી હોય તો એ ગરબારાસની પરંપરા હજારો વર્ષથી ચાલુ રહી ઊતરી આવી છે. ગુર્જરભૂમિનું લાલિત્ય, ગુર્જરરત્નની રસિકતા અને ગુર્જરસુંદરીની કલાકુશલતા જ્યારે આ ગરબાની સંગીત, નૃત્ય અને શબ્દની ત્રિવેણીમાં યોગ પામે છે, ત્યારે એને જોનાર-સાંભળનાર સૌ કોઇના આત્માના તારમાં કોઇક સ્વર્ગીય આનંદનાં અદ્‌ભૂત આંદોલનો જાગી ઊઠે છે. નવીન સંસ્કૃતિને નામે નવી ગુર્જરસુંદરી ગમે તે નવીન તત્ત્વો અપનાવે અને તેમાં ભલે રાચે, પણ સનાતન ગુર્જરસુંદરીના અમર સૌંદર્યને પ્રફુલ્લપણે પ્રગટાવતી આ ગરબાની પરંપરા તો તે કદી વિસારે મૂકે નહીં, અને રજનીના તારક્ઝળતા આભગરબાની જેમ તે તેને દિનપ્રતિદિન અખંડ હુલાવતી રહે અને તેનો આંનંદનો વારસો હવે પછીના આવતા જમાનાઓ માટે પણ અણખૂટ્યો મૂકી જાય, એવી આશા સૌ સાચા ગુજરાતીના હૃદયમાં ટમટમ્યા કરે છે.

આજ સુધીના મારા પ્રગટ-અપ્રગટ તમામ રાસગરબાનો આ સંગ્રહ ગુજરાતના હસ્તમાં મૂકતાં મને આનંદ જ થાય છે. ચોમાસે ચોમાસે નદીમાં પૂર આવ્યા જ કરે છે, તેમ ગુજરાતના કવિઓનાં રસપૂર પણ જમાને જમાને આપણા ગરબાની નદીમાં વહેતાં થઇ તેમાં નવો પ્રાણ પૂરતાં જ જશે. એ પૂરની સાથે કચરો કાદવ પણ ઘસડાઇ આવશે, પણ આખરે તો એ બધો નદીને તળિયે કે કિનારે બેસી જશે, અને નિર્મળ નીર જ નદીના જીવનને વહેતું રાખશે ને તરસ્યાંની તરસને છિપાવીને ઉપકારક બનશે.આ સંગ્રહમાંના રાસગરબાને બની શકે તેટલા નિર્મળ અને ઉપકારક રાખવાનો મેં પ્રયત્ન