પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૮૭
 

ગજર ભાંગ્યો તે ટાણે સંઘજી ડોસો ઊભો ઊભો, હાથમાં માળા ફેરવતો ફેરવતો રણછોડરાયજીના ચતુર્ભુજ સ્વરૂપની સમક્ષ ‘દ્વારકેશ ! દ્વારકેશ !’ શબ્દની ધૂન લગાવી રહ્યો છે. મણિરત્ને જડેલા મુગટધારી શ્યામ-સ્વરૂપને માથે ઝળહળાટ વરસાવતી ઘીની અખંડ જ્યોતોનાં પ્રતિબિંબ ઝળકી રહ્યાં છે. સંઘજી પ્રાર્થના કરવા મંડ્યો :

‘હે દાદા ! તલવાર દે ! તારા નામની તલવાર દે. બાપ ! મારો સૂરજ આથમશે તે ઘડીએ મારા રુધિરથી પખાળીને એ તલવાર હું તારા હાથમાં સોંપીશ. એના તમામ ડાઘાને હું નિખારી નાખીશ. કલંક લેતી એને તારી હજૂરમાં નહિ આણું. દે, એક તલવાર દે, તારો હુકમ દે.’

બુઢ્ઢાને એવો ભાસ થયો કે જાણે રણછોડરાયની મૂર્તિ હાથ લંબાવીને એક ખડગ આપે છે. સંઘજી એ લઈ લે છે.

ધોળે દહાડે સાણંદનાં ગામડે ગામડાના ઝાંપા બિડાવા લાગ્યા. આગની ઝાળો જેમ એક ખોરડેથી બીજે ઓરડે અને એક નેવેથી બીજે નેવે લાગતી જાય તેમ સંઘજી બહારવટિયાની ગસત ગામડે ગામડાને ધબેડતી સાણંદમાં ત્રાસ વર્તાવી રહી છે. કેડા ઉજ્જડ થઈને ભાંગવા લાગ્યા છે, સાંતીડાં જોડનારા ખેડૂતોનાં માથાં વાઢી વાઢી સંઘજી કાકો મોખરે લટકાવવા મંડ્યો. ધરતીમાં વેરાનની દશા વર્તાઈ ગઈ. સંઘજી કાકાને નામે છોકરાં છાનાં રહે છે.

સંધ્યાની રૂંઝું વળી ગઈ છે. ઝાડીમાં બહારવટિયાનો પડાવ થયો છે. શિલા ઉપર બેસીને સંઘજી ડોસાએ ભાલા ઉપર પોતાની કાયા ટેકવી છે. પાસે પડેલી એક લાશમાંથી રુધિર વહે છે, તેનાં ખાબોચિયા ભરાયાં છે.