પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૯૩
 

પોતાના હાથની હથેળી હોઠે માંડીને ઈશારો કર્યો કે પાણી પા. એને ગળે કાંચકી પડી ગઈ હતી. બોલાતું નહોતું.

ઘોડા પરથી અસવાર ભોંય પર પડ્યો. બુઢ્ઢી કાયા દેખીને કણબણને દયા આવી. પાણી પાયું. માથે પાણી છાંટ્યું. ચાર બેડાં પાણી તો એનો ઘોડો ચસકાવી ગયો.

બુઢ્ઢાને હૃદે રામ આવ્યા. એ બોલ્યો, “માવડી, તારો અખંડ ચૂડો.”

"એવા ચૂડા તો સાત વાર ભાંગ્યા, ભાભા ! મારો રોયો સંઘજી જાગ્યો છે ત્યાં સુધી અખંડ ચૂડા ક્યાંથી રહેશે, ભગવાન ?"

“કાં બેટા, સંઘજીએ તને શું કર્યું?”

“બાપા, પરથમના ધણીને સંઘજીએ સીમમાં માર્યો. હું બીજાને નાતરે ગઈ બીજાને માર્યો. ત્રીજાને નાતરે ગઈ. ત્રીજાનું માથું વાઢ્યું. ચોથો, પાંચમો – એમ મારા સાત સાત ઘર ભાંગ્યાં પીટ્યા સંઘજીએ. બે વરસમાં આજ આઠમે ઘરે નાતરે ગઈ છું, દાદા ! આવા તે કાંઈ મનુષ્યના અવતાર હોય? એ કાળમખાને પરતાપે અમારા તો કૂતરાના ભાવ થઈ ગયા. અમારી સીમું ઉજ્જડ થઈ.”

બુઢ્ઢાએ પોતાનું બોકાનું છોડ્યું. દાઢી-મૂછના કાતરા પથરાઈ ગયા. વિકરાળ રૂપ નજરે પડ્યું. કણબણે ઓળખ્યો. કણબણ કંપવા મંડીઃ “એ સંઘજી કાકા, તમારી ગૌ !”

"ડરીશ મા, દીકરી, નહિ મારું. તને પારેવડીને હું ન મારું. તારા સાત ભરથારને ઝૂડી નાખનાર હું સંઘજી ગળોગળ પાપમાં બૂડ્યો છું, પણ હજી મારાં પાપ બાકી છે. આ લે!” એમ કહીને સંઘજીએ કણબણના છાલિયામાં પચીસ સેનામહોર મૂકી કહ્યું “અને બાઈ, હવે તારા ધણીને નહિ મારું. જા, મારું વેણ છે.”