પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

કરણ, બેલીના મારતલ, ઊઠ, તારી ગોત્રહત્યા ધેવા આવ્યો છું.”

“સંઘજી કાકો !” કરણસંગે રાડ નાખી. “ભલે આવ્યા. ઝીંકો, ઝીંકો ખડગ. મેળો મને બોલાવે છે. મેળો તો ત્યાંયે વે’લો પહોંચીને બાપુનો માનીતો થઈ પડ્યો. સંઘજી કાકા ! ઝીંકો ! ઝીંક ખડગ !”

રજપૂતાણીનું હૈયું પારેવી જેવું ફફડે છે. સૂતેલા કુમારો જાગે છે. માતા એને ગોદમાં લઈને સુવાડે છે. થોડા થોડા પાણીમાં જાણે માછલાં તરફડે છે.

સંઘજીએ એ અબોલ રજપૂતાણીને ચૂડલો જોયો. એણે આંખો બીડી દીધી. એની તલવાર પડી. કરણસંગ તરફડ્યો. બીજો ઘા પડ્યો; નાના કુમારનું ડોકું ને ધડ તરફડ તરફડ થઈ રહ્યાં.

પણ રજપૂતાણી ન બોલી કે ન ચાલી.

“દીકરી!” સંઘજી બોલ્યા, “હું જાઉં છું, પણ વે’લી વે’લી હવે સાણંદ જાજે. ઈડરથી મેળાના કુંવરને તેડાવી લેજે, સરખે ભાગે રાજ વે’ચજે, નીકર...” અટકીને એણે પલંગમાં પોઢેલા પરમાર રાણીનાં બીજાં બચ્ચાં સામે આંખ માંડી. પછી એ ચાલ્યો. મેડી ઉપરના ધણેણાટે આખા દરબારગઢને ખળભળાવી મેલ્યો. અંધારામાં દેકારો કરતા ચોકીદારો દોડ્યા. થાપો મારીને સાવજ જાય તેમ સંઘજી સરકી ગયો. સાથે હાથિયાનું માથું વાઢીને લેતો ગયો.

આભના કાળા છેડા ઝાલીને ઊભેલા દસે દિક્‌પાળ જાણે સંઘજીની આડા ફરવા માંડ્યા. પોતે ક્યાં જાય છે તેનું ભાન સંઘજી ભૂલી ગયો. ઊંચે આંખ માંડે ત્યાં ચાંદરડાંનાં ધેનમાં બેઠું બેઠું કરણસંગનું બાળક જાણે સંઘજી બાપુને ઠપકો દેતું હતું. સંઘજીને લાગ્યું, કે મેળો, કરણ, હાથિયો અને કંઈક કંઈક કલૈયા કણબીઓ આભની અટારીએ બેસીને બોલતા હતા કે સંઘજી કાકા ! હાથ ધોઈ નાખો — હવે હાથ ધોઈ નાખો !”