પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

આશા છોડીને ભા’એ ગઢના દરવાજાને માટે છેવટનો હલ્લો કર્યો છે. નૂરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે “હાં, હવે દરવાજો ખોલી નાખો. ખબરદાર, ગોહેલનો દીકરો એકેય જીવતો જાય નહિ.”

ખોરાસાની અને મુગલાઈ જોદ્ધાઓ તળાજાના ગઢમાંથી 'ઇલઇલાહી' કરતા વછૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભા’એ ‘જે ખોડિયાર’ના લલકાર કરીને ખડગ ખેંચ્યું. ઝૂઝતો ઝૂઝતોયે ભા' ભાવનગરના કેડાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય આતોભાઈ કળાય ! ક્યાંય ઠાકોર દેખાય ! માથે તલવારના મે વરસતા આવે છે, પણ ગોહિલોનો કુળઉજાળણ ભા’ મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ‘ઊભો રે'જે, બુઢ્ઢા !’ — એવી હાકલ મારતો નૂરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલ, કાળભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઊતર્યો. એના હાથમાં સાંગ તોળાઈ રહી છે. પચીસ ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભા’ની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નૂરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નૂરુદ્દીનને તલવારનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીંકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નૂરુદીનનું ડિલ ઢળી પડ્યું. અને અણીના મામલામાંથી અચાનક ઊગરી ગયેલ ભા’ દેવાણી વાંસે નજર કરે ત્યાં... કોણ ઊભું છે?

તાજણનો અસવાર આતાભાઈ : ભાલાને માથે દેવચકલી ચક્કર ચક્કર આંટા મારી રહી છે.

“વાહ રે, ભાંગ્યા દળના ભેડવણ ! આવી પહોંચ્યો !”

“હા ભા’ ! આવી પહોંચ્યો છું. હવે પાછા હઠવાનું હોય નહિ તળાજું લીધે છૂટકો. ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે.”

"દરવાજા દેવાઈ ગયા? કોણે દીધા ?”