પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

વહેવાર વહાલા ન કર્યા. શાબાશ, ભાઈ !

"અને તારા મારતલની હારે હિસાબ ચોખો કરવા હુંય આ હાલ્યો.”

એટલું બોલીને આપો શાદૂળ મેવાસાને ઢોરેથી ઊતર્યો.

ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે. એની સાથે સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાંપામાં પેસી ગયો. ગઢમાં દાખલ થઈ ગયો. નાજા ખાચરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાટ જોતો બેઠો છે.

વાળુ ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઈ લે છે. વાળુ લઈને કાઠિયાણી જમાડવા આવ્યાં.

તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માંહીં દૂધ-સાકર નાખ્યાં, ચોળીને તૈયાર કર્યું, કહ્યું :

“હવે આજ તો સોગ ભાગો !”

“કાઠિયાણી! તું મને આજ ગળામણ ખવારવા આવી છે? ભોજ જેવા ભાઈને ગૂડીને હું વયો આવું છું. હજી એના બારમાની બોરિયું*[૧] ફટફટે છે, અને હું મોંમાં દૂધ-ચોખા મેલું ?”

કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાંપી રહ્યા. વળી બોલ્યા :

"બધુંય નજરે તરે છે. ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઊપડે એમ ભોજને આવતો ભાળ્યો – એકલ ઘોડે, મારતે ઘોડે ! ‘ઊભા રો’!’ ચોર, ઊભા રો’ !’ એવા સાદ પાડતો આવે. મેં હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે “પાછો વળી જા !” પણ ભોજ પાછો


  1. *બારમે દિવસે ઉત્તરક્રિયા થતી હોય તે વખતે લૌકિકે આવનારાં સ્વજનોને બેસવા માટે કરેલા બૂંગણનાં છાંયડા.