પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ-ચંદ્રની સાખે
૧૧૧
 

કરું? તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે !”

“નિશાની મેં કરી છે, અન્નદાતા ! નિશાની કરી છે. શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચેકડી મારી છે.”

“ચોકડી !” ચમકીને રા’ પૂછે છે : “આ લખત ઉપર ?” રા’ના હાથમાં દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી.

“હા, બાપુ ! કાળી રુશનાઈની મોટી એક ચેકડી – ચારે ખૂણા સુધીની ચોકડી.”

“તું ભૂલ્યો લાગછ, ભાઈ ! આ જો, આ લખત. આમાં ચોકડી કેવી? કાળું ટપકુંયે નથી.”

“ગમે તેમ થયું હોય, બાપુ ! પણ હું ભૂલ્યો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી દીધી છે.”

સમસ્યા વસમી થઈ પડી. રા’એ મોંમાં આંગળી નાખી, લમણે હાથ ટેકવ્યું. એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી.

*

“શેઠ !” રા’એ શાહુકારને બોલાવ્યા. “શેઠ, કાંઈ કૂડ હોય તો કહી નાખજો, હો ! હું આ વાતનો તાગ લેવાનો છું.”

હાથ જોડી ઠાવકે મોંએ વાણિયો બોલ્યો : “મારે તો કહેવાનું જ ક્યાં છે? આ કાગળિયો જ એની જીભે કહેશે.”

“જોજો હો, શેઠ, વાંસેથી ગોટા વાળતા નહિ.” રા’નો સૂર અક્કડ બનતો ગયો.

“બાપુ ! હું કાંઈ નથી કહેતો : કાગળિયો જ કહેશે.” વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળ્યો.

“શેઠ, હું રા’ દેસળ ! નાગફણિયું જડાવીને મારી નાખીશ, હો.”

“તો ધણી છો ! બાકી તો કાગળિયો એની મેળે બોલશે.”