પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

કોઈ સાક્ષી નહિ, પુરાવો નહિ : મૂંઝાતા મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે. ફરી ફરી નિહાળીને જોયા કરે છે. સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોંસરવી ચાલી જાય છે, પણ ચોકડીની સમસ્યા ક્યાંયે નથી સૂઝતી.

“મૂરખો માડુ! નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે !”

એટલું બોલતાં જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી. લખ્યું હતું કે : “સૂરજ-ચંદ્રની સાખે.”

રા’ વિચારે ચડ્યા: “આ તે કઈ જાતની સાખ? જીવતાં માણસેની સાક્ષી તો જાણી છે, પણ સૂરજ-ચંદ્રને સાક્ષી રાખવાનો મર્મ શું હશે ! શું આ તે જૂના કાળનો વહેમ હશે ?”

‘ના ના; આ સાક્ષી લખવામાં કાંઈક ઊંડો ભેદ હોવો જોઈએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહિ.’

એટલું બોલીને રાજાએ સૂરજના બિંબની આડે કાગળિયો ઝાલી રાખ્યો, અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે, ત્યાં સામસામા ચારે ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાઈ.

“બોલો, શેઠ, આમાં કાંઈ કૂડ હોય તો કહી દેજો, હો”

“જિયેરા ! મારે ક્યાં કાંઈ કહેવાનું છે ! કાગળિયો જ કહેશે ને !” વાણિયાએ ઠાવકે મોં જવાબ દીધો.

“શેઠ, સાવધાન, હો ! હું રા’ દેસળ ! નાગફણિયું જડીને જીવ કાઢી લઈશ.”

“તો તમે ધણી છો, રાજા ! બાકી તો કાગળિયો જ કહેશે. મારે શીદ બોલવું પડે?”

“શેઠ !” રા’ પોતાના અંતરની અગ્નિઝાળને દબાવતા દબાવતા પૂછે છે કણબી કહે છે કે લખત પર એણે ચોકડી મારી દીધી છે.”