પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ-ચંદ્રની સાખે
૧૧૩
 

“તો તો કાગળિયો જ બોલશે ને, બાપા !”

“પટેલ, તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી?”

“કાળો કાગડોયે નહિ, જિયેરા !”

“આમાં તો લખ્યું છે કે સૂરજ-ચંદરની સાખે !”

“હં... હં... હં ! જિયેરા !” વાણિયાએ હસીને જવાબ દીધો. એ તે લખવાનો રિવાજ: બાપ-દાદાની ટેવ; બાકી સૂરજ-ચંદ્રની સાપવાળાં તો અમારાં કંઈક લખત ડૂબ્યાં છે !”

“પટેલ, તમને સૂરજ-ચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી ?”

“દેવતા તો સાખ દીધા વિના રહેતા જ નથી, દાદા ! પણ એ સાખ ઉકેલવાની આંખો વિનાનાં માનવી શું કરે ?”

“ઓરા આવો, શેઠ !” રા’એ અવાજ દીધો. ચોગાનમાં જઈને લખતને કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીનાં ધાબાં આખેઆખાં પ્રકાશી નીકળ્યાં.

“કહો હવે, શેઠ ! તમે કરામત શી કરી'તી? સાચું બોલો તો છોડી દઈશ.”

શરમિંદો વાણિયે પોતાની ચતુરાઈનું પા૫ વર્ણવ્યું. “બાપુ, ચોકડીની શાહી લીલી હતી ત્યાં જ એના ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલ્યો. ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી શાહીને કીડીઓ ચૂસી ગઈ; ચૂસીને કાગળિયો કોરો કરી મૂક્યો. એ રીતે ચોકડી ભૂંસાઈ ગઈ. હવે તો ચાહે મારો, ચાહે જિવાડો.”

“શેઠિયા, તેં આવા ઇલમને આસુરી મારગે વાપર્યો? તારી ચાતુરીને તેં ચોરી-દગલબાજી શીખવી? ઈશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો ?”

રા’એ એને ત્રણ વરસની કેદ દીધી.