પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૧
તેગે અને દેગે

મનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.”

“ક્યાં?”

“સોરઠમાં.”

“કેમ?”

“દ્વારકાનું રાજ અપાવું.”

રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્વારકા નગરીના રાજની આશાએ ગોકુળ-મથુરાના આહીરો અને ભરવાડ ઉચાળા ભરી, ગોવાલણોને લઈ ગોધાને માથે ઉચાળા નાખી, ધેનુઓનાં ધણ હાંકતાં હાંકતાં, મહારાજની વાંસે વાંસે હાલી નીકળ્યા. પણ માર્ગે મરુભોમકા આવી. ઊનાં ઊનાં રેતીનાં રણ વીંધવાં પડ્યાં. કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાઓએ બાકી ન રાખી.

ત્યાં તો હાલારમાં મચ્છુકાંઠો દેખાયો. માથે અષાઢીલા મેઘ મંડ્યા. નાની નાની ડુંગરીઓ, લીલુડાં ઓઢણાં ઓઢીને ગોપીઓ વૃન્દાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઈ ગોવાળ, ગોવાળણો અને ગૌધન આ ભોમકા ભાળીને ગાંડાંતૂર બની નાચી ઊઠ્યાં. સહુએ ભેળાં થઈને ડાંગ ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે “આંહીંથી એક ડગલુંયે નહિ દઈએ. હવે જો કાંઈ બોલ્યો છે ને તો તને ડાંગે ડાંગે પીટીશું.”

“અરે, મૂરખાઓ, હાલો તો ખરા ! હજી સોરઠના

૧૧૭