પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી.

“જા, બાપ! તારી ધારણા પૂરી કર. તારા પરિવારની ચિંતા કરીશ મા.”

જાદવે ઘોડીને રાંગમાં લીધી. ભેટમાં ખીલા અને હથોડી બાંધ્યાં. કેડે તલવાર અને ખોભળે ભાલો ભેરવ્યો. મોરલીધરનું નામ લઈને સમીસાંજે કાઠીઓની તોપ સામે ઘોડી દોડાવી.

સામે કાઠીઓની ધૂંવાધાર તોપો ફૂટે છે. ધુમાડા ગોટેગોટ વળીને ગૂંગળાવી રહ્યા છે. આંખો કંઈ ભાળતી નથી. તોય જાદવની ઘોડી તો ઝીંક્યે જ જાય છે.

આવ્યો ! આવ્યો ! આવ્યો ! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઈ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તલવારનો અક્કેક ઝટકે અક્કેક ગોલંદાજનું માથું લઈ લ્યે છે અને અક્કેક તેમના કાનમાં ખીલો ઠોંસે છે. પછી બીજો ઝટકે, બીજું માથું, અને બીજી તોપને ખીલોઃ એમ ત્રીજી, ચોથી, અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી. ગૂંગળાતે, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો.

તે પછી આતાભાઈનો હલ્લો થતાં કાઠીઓ નાઠા.

તગડ ઘોડે છે રોઝ ત્રાઠા,
કુંપડો કે’ જુએ: કાઠા,
નોખનોખા જાય નાઠા.

આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે.