પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
દુશ્મનોની ખાનદાની

.

“મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?”

“આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ મામૈયા વાળાની લોથ ઢાળીને હાલ્યા આvo છો.”

“અરે ફિકર નહિ. ભોકાનેય ક્યાં મામૈયા હારે સારાસારી હતી ! એ તો ઊલટો રાજી થશે. બોલાવો એને.”

સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે. એ પચીસ અસવારનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે. ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂનાં વેર વાળવા પોતાનો નાનકડો મેલીકાર લઈને માલશીકું ગામ ભાંગવા ચડ્યો હતો. માલશીકાના માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે.

પચીસ કાઠીઓ પોતાનાં હથિયાર હેઠે મેલીને સાતલ્લીનાં તેલ જેવાં નીરમાં પોતાનાં રજભર્યા મોઢાં ધુએ છે અને ગળાં ફુલાવીને ઘોરતા નાદે ઊગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે

ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીઅણ લગ માણ, રાખો કશ્યપરાઉત.

હે ભાનુ, તમે ભલે ઊગ્યા. તમારાં ઓવારણાં લઈએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.

સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.

૧૨૧