પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 



સામસામાં જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળ મળતી હોય, તે ટાણે હે કશ્યપના કુમાર, અમારી ઈજજત રાખજો.

કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઈ પાળિયાદના આપા વિસામણને સંભારે છે, કોઈ એકલ પગે ઊભા રહી સૂરજદેવળનાં નામ રટે છે.

ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઈ અને બીજાં બધાં દેવસ્થાનના જાપ છોડીને સહુ લલકાર કરી ઊઠ્યા, “એ ભણેં દૂધની તાંબડિયું ઝબકી ! એ ગોરસનાં દોણાં આદાં (આવ્યાં) ! એ ભાણેં રોટલાની થાળિયું આદી ! ભણેં ચોખાનાં હાંડલાં આદાં ! સાકરના ખૂમચા આદા !”

મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનને છાશ્યું પાવા હાલ્યો આવે છે. સાથે પચીસ-ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે. દૂધ-દહીંનાં દોણાં લેવરાવ્યાં છે. સાકર, ચોખા, રોટલા અને માખણના પિંડા લેવરાવ્યા છે. હજી માલશીકું ભાંગ્યાના એને ખબર નથી પડ્યા.

ચાલ્યા આવે છે. એમાં એક માનવી આઘેથી આડો ઊતરતો ભાળ્યો. “એલા! ગઢવી નાજભાઈ દાંતી તો નહિ? હા, હા, એ જ એલા ! બોલાવો — બોલાવો. એ ઊભા રો’, નાજભાઈ, ઊભા રો’ !”

પણ એ પુરુષ થંભતો નથી. ફરી વાર સાદ પાડ્યા.

“એ નાજભાઈ ! રામદુવાઈ છે તમને.” રામદુવાઈ દેવાયાથી નાજભાઈ ચારણ થંભી ગયો. પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો, તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો. વાંસો વાળીને ઊભો રહ્યો.