પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુશ્મનોની ખાનદાની
૧૨૩
 

“અરે નાજભાઈ ! આ લાજ આ કેની કરી ?”

“લાજ તો કરી જેઠની !” ચારણ બોલ્યો.

“જેઠ વળી કોણ?”

“ભોકો વાળો !”

“ગઢવી ! કેમ અવળું બોલો છો? કાંઈ અપરાધ ?”

“ભોકા વાળા, મામૈયા વાળાના લોહીનો કસૂંબો પીવા જાઓ છો?”

“મામૈયાના લોહીનો?”

“હા, મામૈયાને મારી, માલશીકાનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે.”

“નાજભાઈ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યો, “મને ખબર નહોતી, હવે તો —

ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,
તે દી મુંજાસરનું પાણી પીઉં,
ચડ્યો ઘોડે ચોટીલો લીઉં,
તે દી પલંગ પથારી કરું.

“રોટલા પાછા લઈ જાઓ. કૂતરા-કાગડાને ખવરાવી દિયો.” એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઈ લીધો.

સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ-રોટલા અને સાકર-ચોખાની વાટ જોતાં જોતાં પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઉભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો : “ભોકે વાળે કેવાર્યું છે કે તમારી તૈયારીમાં રે’જો. અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ.”

“ભણેં આપા રામા !” બીજા કાઠીઓ બોલી ઊઠ્યા. “અમે નહોતા ભણતા કે કસૂંબો ઝેર થઉ જાશે?”

રામો ખાચર કાસદ તરફ ફર્યા :