પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


“શા માટે?”

“આનું નામ સાચી બાંગ ન કહેવાય.”

“ત્યારે બાંગ કેવી હોય?”

“ખરાખરીની બાંગ દીધે તો ઘોડા મોંમાંથી ઘાસ મેલી દે.”

“ઐસા ??”

“ગાવડિયું પેટના વાછરુને ધકેલી આઘાં કાઢે.”

“ક્યા બાત ?”

“ધાવતાં છોકરાં માતાના થાનેલા મેલી દે ! અરે ખાવંદ ! વહેતાં પાણી પણ થંભી જાય એવી જોરાવર બાંગ દેનાર પડ્યા છે.”

પાદશાહે દાઢી પંપાળીને પૂછયું, “એવો કોઈ છે?”

“હા, નામવર, આ અમારા રાજદેભાઈ ! નાગાજણે મોં મલકાવીને પોતાની સામે બેઠેલા ચારણ રાજદે તરફ આંગળી ચીંધાડી.

રાજદે ચારણ નાગાજણ સામે તાકી રહ્યા : “હું ?”

“હા જ તો, રાજદેભાઈ આપણા અન્નદાતાથી કાંઈ એવી રીતે છુપાવાય? અલ્લા ઉપર તમારા ઈમાનનો આજે પરચો દેખાડો.” નાગાજણે ઘા કાઢ્યો.

“અરે ! અરે ! ભાઈ નાગાજણ ! મારું મોત. . . ”

“રાજદે ગઢવી !” પાદશાહે ફરમાવ્યું, “ત્યારે તો તમારે બાંગ બોલાવવી પડશે. આજે જ તમારો ઇલમ બતાવો.”

“અન્નદાતા, બોલો ના; હું દેવીપુત્ર ચારણ, મારે ખંભે જનોઈ : અવતાર ધરીને મેં બાંગ બોલાવી નથી કદી.”

“માનશો મા, પાદશાહ !” નાગાજણે પોતાની અદાવતના પાસા નાખ્યા. “રાજદેભાઈની બાંગ તો ખલકમાં મશહૂર છે.”

પાદશાહે હઠ પકડી. રાજદેના કાલાવાલા માન્યા નહિ.