પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાગીરથી
૧૩૧
 


“નાગાજણ!” રાજદેએ તીરછી નજરે નાગાજણને કહ્યું, “કાળા કામના કરનારા, આજ તેં મારું જીવતર બગડાવ્યું. પણ જોજે હો ! હું કૂતરાને મોતે નહિ મરું.”

સાંજનો પહોર થયો. મસ્જિદના ચોગાનમાં મુસ્લિમોની ગિરદી જામી છે, રાજદેભાઈ ધીરે ધીરે ચાલ્યો આવે છે; હજીરા ઉપર રાજદે ચડ્યો, કાનમાં આંગળી દીધી, અને ‘અલ્લા. . . હુ. . .’નો અવાજ જ્યાં ઊપડ્યો અને ધોરિયાનાં પાણી થંભ્યાં, ઘોડાએ તરણાં મેલ્યાં, ધાવતાં છોકરાંએ માનાં થાન છોડ્યાં. મુસ્લિમોમાંથી અવાજ ઊઠ્યો કે : “રાજદે પીર ! આજથી તમે રાજદે પીર !”

હજીરા પરથી ચારણ ઊતરવા લાગ્યો. ત્રીજે પગથિયે આવ્યો ત્યાં નીચે ઊભેલા દુશ્મન નાગાજણે છેલ્લો ઘા કરી લીધો, “રાજદેભાઈ, તમને દફન કરવા કે દેન દેવું ?”

સાંભળી રાજદે ત્રણે પગથિયાં પાછો ચડ્યો. હાથ જોડી હજીરા ઉપરથી જ એણે ગળતા સૂરે દુહા ઉપાડ્યાઃ

કાયા લાગો કાટ, શીકલીગર સુધરે નહિ,
નિરમળ હોય નરાટ, ભેટવા તવ ભાગીરથી.

ઓ માતા ભાગીરથી, હું ક્યાં જાઉં? કાટેલાં લોઢાંને તો સજાવીયે શકાય, પણ આ માનવકાયાને લાગેલા કાટ તો કોઈ સારણિયો નિવારી શકતો નથી. ઓ મા, એ તો તને ભેટે ત્યારે જ નિર્મળ બનશે. માટે તું આજ આવીને મારી આ ભ્રષ્ટ કાયાને નિખારી નાખજે.

ગંગાજળ ગટકેહ, નર લટકે પીધો નહિ
ભવસાગર ભટકેહ, ભૂત હુવા ભાગીરથી.

હે મૈયા, નીચે નમી નમીને તારા ગંગાજળના ઘૂંટડા જેણે પીધા નથી, તે માનવી ભવસાગરમાં ભૂત સરજાઈને ભટક્યા જ કરે છે. પણ હું આજ તારા પ્રવાહ પાસે કેમ કરીને પહોંચું ? મારી ઘડીઓ ગણાય છે.

ગંગાધારે જાય, પંગોદિક પાણી પીવે,
માનવીઆંરાં માય, ભાગ્ય વડાં ભાગીરથી.