પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાગીરથી
૧૩૭
 

ધરતીના પથરા ખસવા માંડે છે.

હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે,
પામે વૈકુંઠ પ્રોળ, ભેટંતાં ભાગીરથી.

માતા, તારાં નીરને હાથથી ઉછાળી મસ્તક પર સ્નાન કરતાં જ વૈકુંઠની પોળમાં વાસ મળે છે. મને પણ તારી એક જ અંજલિ આપી દે. મારો મનુષ્ય-અવતાર સુધારી લઉં.

આવીને અહત્ર તણો, ઘસે કટકો જો ઘાટ,
(તો) ખેંચે હીંડોળાખાટ, વૈકુંઠ પરિયું વણારસી.

તારા ઘટ ઉપર આવીને ચંદનનો એક કટકો ઘસનાર શ્રદ્ધાળુને પણ ઓ જનની, વૈકુંઠની પરીઓ હીંડાળે ઝુલાવે તેવો તારો પ્રતાપ ગાઉં છું. મને ઉગારવા ધાજે ! આજે મારું મોત બગડે છે.

મસીદના ચોગાનની ચિરાયેલી ધરતીમાંથી, છેક પાતાળે પાણી ઝબૂકી ઊઠ્યાં. રાજદેની પ્રાર્થનાના સૂર કાંપવા લાગ્યા.

પ્રાણી દેહ પડે, ગંગાજળ નામે ગળે,
ચટ વૈમાન ચડે, વૈકુંઠ જાય વણારસી.

રે માતા, તારા નીરમાં નાહનારાંની કે એનેય મળનારાંઓની જ માત્ર સદ્‌ગતિ થાય છે એમ નથી; પણ

હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,
(તો)માનવિયાં કુળમાંય, ભૂત ને થે ભાગીરથી.

ઓ મા, જીવતાંયે છો ન પહોંચાય; મૃત દેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય; અરે, જેના અંગનાં હાડકાંનો એક ટુકડો પણ તારા કિનારા પર પહોંચે તે માનવીના કુળમાંયે કોઈ ભૂત ન સરજે. પરંતુ મારા હાડપિંજરની એક કણીયે ક્યાંથી તારી પાસે પહોંચશે ? મારી અનુકંપા લાવીને મને અહીં જ આવી પાવન કરી જા, મૈયા !

પાતાળમાંથી પાણી આવે છે. ઊંચે ને ઊંચે ચડતું આવે છે. ઊની વરાળ નીસરે છે. રાજદેનો કંઠ ગળવા લાગે છે.

ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં
માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.