પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાગીરથી
૧૩૯
 

હજીરાનાં પગથિયાં પછી પગથિયાં ચડ્યાં ને રાજદે ચારણને માથાબોળ નવરાવીને ઘરતીમાં પાછાં સમાણાં - ચારણનો દેહ પડ્યો.

[આ ઘટના જૂનાગઢમાં બની કે અમદાવાદમાં તે બતાવનારું પ્રમાણ શોધાયું નથી. કહેવાય છે કે ઘટનાસ્થળ પર રાજદે પીરની મસીદ અને શંકરનું દેવળ : બંને સાથે ઊભાં છે.]

એ કથાને લગતું એક ચારણી કાવ્ય —

એક સમે વાત મેહમદશાહ આગે અડી,
સારા વેગે ગિયે મેજત માથે ચડી,
બળાક્રમ ગેલવે દિયંતા બાંગડી,
બાળ છાંડે ગિયાં માતરી બીંટડી.  (૧)

એક સમયે મહંમદશાહની પાસે વાત આવી. ચારણ વેગથી મિનારા પર ચડી ગયો. બળવાન કર્મો કરનાર રાજદે ગેલવાએ બાંગ દીધી. ત્યાં તો બાળકોએ માતાનાં સ્તનો છોડી દીધાં.

તરણ અસ ચરન્તા રિયા જક્કે તકે,
ધકાવે વાછરુ ગાઉં મારે ધકે,
સરેરે રાજડે કરવો સાદ કે,
છત્રાળો પાતશા રિયો ભાળ્યે છકે. (૨)

અશ્વો તરણાં ચરતા ચરતા જ્યાં હતા ત્યાં જ થંભી રહ્યા. ગાયો પોતાનાં વાછરડાંને ધકેલવા લાગી. રાજદે ચારણે જ્યારે સાદ દીધો ત્યારે છત્રપતિ બાદશાહ પણ છક થઈને જોઈ રહ્યો.

થિરા ગત કરંતા આભ ઝાંખો થિયો,
લાજ કજ વરણરી દાઢ આગે લિયો,
હજીરા ઉપરથી રાજદે હાલિયો,
પંડ ભૂકા કરી શાહ આગે પિયો, (૩)

આ દૃશ્ય દેખીને [સૂર્યે] પોતાની ગતિ સ્થિર કરી દીધી. આકાશ ઝાંખું પડ્યું. [રાજદેએ] પોતાના [ચારણ] વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર [દાઢ] પેટમાં લીધી. હજીરા પરથી રાજદે ચાલ્યો અને પોતાના દેહના ચૂરા કરી પોતે પાદશાહની સંમુખ પછડાયો.