પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

જ આંચળને અડવાનો.”

“અરે ગાંડા, દીધેલાં દાન પાછાં લેવાય? અને મારું વેણ જાય?”

“ત્યારે શું અમારું વેણ જાય?”

“તારું વેણ ન જાય એમ ને? એલા કોઈ છે કે? દોડો બજારે, એક લીલા લૂગડાનો તાકો લઈ આવો.”

દરબારે ગુસ્સામાં ને ગુસ્સામાં લીલા લૂગડાનો કોરો તાકો શા માટે મંગાવ્યો? ગોવાળને શી સજા કરવાના હશે?

તાકો આવ્યો. દરબાર બોલ્યા, “આમાંથી સવા સવા ગજના કટકા ફાડવા મંડો.”

દિગ્મૂઢ બનેલા નોકરો કટકા કરવા મંડ્યા.

“બોલાવો ગામના બામણોને.”

બ્રાહ્મણો આવ્યા. માણસો વિચારે છે કે દરબાર આ શું નાટક કરવા મંડ્યા !

“આ અક્કેકી ગાયને શીંગડે અક્કેક કટકો બાંધી બાંધીને બામણોને દેવા માંડો.”

નોકરોએ માન્યું કે દરબાર હાંસી કરે છે. આંખો ફાડીને દરબાર બોલ્યા: “આપવા મંડો જલદી ! ત્રણસોમાંથી એક પણ રાખે ઈ હોકા બસિયાના પેટનો.”

ગાયો તો ગોવાળના ખંભા ઉપર વળૂંભતી, એના હાથપગ ચાટતી, પોતાનાં માથાં એના શરીર સાથે ઘસીને ખજવાળતી, ભાંભરતી ભાંભરતી ઘેરો વળીને ઊભી હતી. એક પછી એક ગાયને શીંગડે લીલું વસ્ત્ર બાંધીને દરબાર દાન કરવા મંડ્યા. સ્વસ્તિ ! સ્વસ્તિ ! કહીને લાલચૂડા બ્રાહ્મણો ગાય લઈ રવાના થવા મંડ્યા; એમ જ્યાં પોતાની પાંચ વહાલી ગાયને ભરવાડે જતી જોઈ ત્યાં તો એની મમતાના તાર ખેંચાવા લાગ્યા.