પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

મૂલ મૂલવવા સનાળીમાં મહેમાન થયા. જેતપુરથી મારુયો લઈને વાલેરા વાળાએ પણ સનાળીમાં ઉતારો કર્યો.

સમીસાંજરે ગામને પાદર નાટારંભ મંડાયો. કાયાના કટકે કટકા કરી કરીને મારુયાએ પોતાના નાચ દેખાડ્યા. જાણે કોઈ નટવો દોર ઉપર ચડીને અંગના ઈલમો બતાવી રહ્યો છે.

વાલેરા વાળાએ મારુયો પાછો વાળ્યો. રમાડતા રમાડતા દાયરાની થડોથડ લઈ આવ્યા. બરાબર લાંગ સાહેબની ખુરશીની અડોઅડ લીધો. પછી ગરદન થાબડી અસવારે મંત્ર ફૂંક્યા :

“બેટા ! મારુયા ! સાહેબને સલામ કરી લે.”

મારુયો બે પગે ઊભો થઈ ગયો. મોયલા બે પગ સાહેબની ખુરશીના બે હાથા પર માંડી દીધા.

“શાબાશ મારુયા ! શાબાશ મારુયા !” કહીને લાંગ પોતાનો રૂમાલ મારુયાના મોં ઉપર ફેરવવા મંડ્યો. આંબુ-જાંબુ અંજાઈ ગયા.

“વાલેરા વાળા, પાંત્રીસ હજાર રૂપિયા ગણી લે. ખંડેરાવ મહારાજનું વેણ રાખો.”

લાંગ સાહેબ, રાણિંગ વાળા અને આખા દાયરાના માણસો કહેવા લાગ્યા કે: “હવે બસ, આપા વાલેરા વાળા, હવે દઈ દ્યો. હઠ કરો મા. આથી વધુ તો ઊપજી રહ્યું.”

“એ ભાઈ,” વાલેરા વાળા બોલ્યા. “મારુયાને માથે મહારાજ ખંડેરાવ તો નહિ બેસે.”

“ત્યારે કોણ બેસશે? લાંગે ચાંદૂડિયાં પાડીને પૂછ્યું.

“કોણ બેસશે? કાં હું, કાં આ મારો બાડિયો ચારણ” પોતાની પાસે બેઠેલા સનાળીના ચારણ ખોડાભાઈ નીલા સામે આંગળી ચીંધાડીને આપો વાલેરો બોલ્યો.

“હાં ! હાં ! હાં ! આપા વાલેરા.” માણસોએ બોલતા અટકાવ્યા.