પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેરા વાળો
૧૫૧
 

દરબારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી. ધ્રફ ! ધ્રફ ! ધ્રફ ! તેલ કકડ્યું. ફૂલ પડવા માંડ્યાં. માણસો એ ડોસીને જબરદસ્તીથી ઘસડીને એનાં કાંડાં ઝાલીને તેલમાં ઝબોળ્યાં. કાંડાં કડકડી ઊઠ્યાં, સડ, સડ, સડ, ચામડી ફાટી ગઈ.

“બસ, હવે ખમી જાઓ.” ડોસીએ કહ્યું.

એમ ને એમ એણે હાથ રાખી મૂક્યા, કાંડાનું માંસ બધું નીકળી પડ્યું. ડોસીના મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઈ ગયો, તોયે તેણે સિસકારો ન કર્યો. લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા. એવે હાથે એણે સાડલાને છેડે ગાંઠ વાળેલી તે છોડી. અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી. કોરી લઈને દરબારોની સામે ઘા કરી દીધો.

પલકમાં જ એક ભેંસ ત્યાં આવીને ઊભી રહી. ભેંસે પોદળો કર્યો. લોકે બૂમ પાડી, કે “અરે, આ પોદળામાં લૂગડું શેનું” લઈને જુએ ત્યાં માનું જ કાપડું અને કાપડાની કસે ઝૂમણું બાંધેલું!”

ઓસરીમાંથી ભેંસ કાપડું ચાવી ગયેલી.

“અરર ! લોકોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દરબારો દોડીને ચારણીના પગમાં પડ્યા. “આઈ માફ કરો. અમે તમારે માથે બહુ કરી.”

“ભાઈ ! હું મારી જીભે તો તમને કાંઈ નથી કહેતી, કહેવાની નથી. પણ મારી આંતરડી બહુ કકળે છે, બાપ !”

ચારણી તો ચાલી ગઈ, મરી ગઈ હશે. પણ ત્યાર પછી છ જ મહિનામાં બેય ભાઈ નિર્વંશ મરી ગયા. લોકો બોલે છે કે ‘ગરીબની ધા લાગી ગઈ !’