પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોટલાવાળી
૧૫૩
 

કોઠામાં શ્વાસ સમાતો નહોતો.

“એલા પણ છે શું ?” બાઈ એ પૂછ્યું.

“માવળી, માવડી, મને ચૂંવાળિયા લૂંટે છે, તમનેય હમણે...”

મારો સાદ ફાટી ગયો. બાઈને ડિલ માથે સુંડલો એક સોનું: વેલડામાં લુગડાં-લત્તાંની પેટી. આજુબાજુ ઉજ્જડ વગડો. કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય. આમાં બાઈની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઊઠ્યો.

“કોણ? બાપડા ચૂંવાળિયા લૂંટે છે?” મોં મલકાવીને બાઈએ પૂછ્યું.

“માતાજી ! આ હાલ્યા આવે !” ચૂંવાળિયા દેખાણા. પંદર લાકડિયાળા જુવાન.

આપાઓ ! નજરોનજર નીરખ્યું છે. અંબોડો વાળીને રજપૂતાણી ઊભી થઈ વેલડાના હેઠલા ઝાંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી. હાથમાં તલવાર લઈને ઊભી રહી. અને ચૂંવાળિયા ઢૂકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારી, “હાલ્યા આવો, જેની જણનારીએ સવા શેર સૂંઠ્ય ખાધી હોય ઈ હાલ્યા આવે.”

ચૂંવાળિયા થંભી ગયા. સહુ વીલે મોઢે એકમેકની સામે જોવા મંડ્યા. લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો, "પણ અમારે તો આ નદીએ પાણી પીવું છે. વાણિયો તો અમથો અમથો ભેમાં ભાગે છે.”

“પી લ્યો પાણી!” રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી.

ચૂંવાળિયા પાણી પીને ચાલ્યા ગયા. પાછું વાળીને મીટ માંડવાનીયે કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાના ઝાંતરમાં મેલી દીધી.

“બહેન !” મેં કહ્યું, “મારી સાથે રાણપુર હાલો. એક રાત રહીને મારું ઘર પાવન કરો.”