પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 “ભગા દોશી ! ગાડાને હાલવા દ્યો. ત્યાં હમણે અમે ઊભાં ઊભાં એક ખંખોળિયું ખાઈને તમને આંબી લઈએ છીએ. વાર નહિ લાગે.”

“બહુ સારું,” કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું. અને અહીં ચારે કાઠીઓએ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું. કાળા ખાચરે અને નાથા ખાચરે બબ્બે માળાઓ પણ ફેરવી.

આંહીં ગાડાની શી ગતિ થઈ ? બરાબર બાવળાની કાંટ્યમાં ભગા શેઠ દાખલ થયા ત્યાં કોળી ઠાકરડાનું જૂથ ભેટ્યું. સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ ઝાડી : હથિયારબંધ પચીસ કોળીઓ : અને અડખેપડખે ઉજ્જડ વગડો.

ભગા દોશીને ઘેર ભગવાનની મહેર હતી. માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી-છેલ્લી વારની યાત્રા : એટલે મંદિરમાં પધરાવવાનું ઘરેણુંગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું.

એ બધુંય લૂંટી, ખડિયા ભરી, ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું.

ત્યાં તો ચારેય કાઠીઓ દેખાયા. ભગા શેઠે મુનીમને ચેતાવી દીધો કે “ખબરદાર હો, હવે કાંઈ વાત કહેવાની નથી. થાવી હતી તે થઈ ગઈ.”

ભગા દોશીએ તો પોતાના મોં ઉપર કંઈ કળાવા ન દીધું, પણ મુનીમની આંખમાં આંસુ આવી ગયાં.

“એલા, કેમ મોઢું પડી ગયું છે ?” વહેમ ખાઈને નાથા ખાચરે પૂછ્યું.

“કાંઈ નહિ, આપા !” ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો.

“અરે કાંઈ નહિ શું, શેઠ? આ તમારા મોઢા ઉપર છાંટોય લોહી નથી રહ્યું. એલા, ગાડાખેડુ, તુંય મૂંગો કાં મરી રિયો છે ?”

ગાડાખેડુએ વાત કરી.