પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભાં ઊભાં કાઠીનાં ઘોડા ખોંખારી રહ્યાં છે.

“બાપુ” એણે બૂમ પાડી. “બાપુ, થોડીક વાર વેણ્યમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો.”

“અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછાં ડગલાં શી રીતે દઉં ? મારું મોત બગડે, દીકરા !”

“બહુ સારું, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે.”

એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજી ને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.

મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધું :

“બાપુ, આ પાણી; માનું વેણ. . .”

"અભલા ! બેટા ! તારી ખાંભી મારા ખોળામાં...” રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

બેઉના પ્રાણ છૂટી ગયા.

આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જાદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ ‘અભલાની ખાંભી દરબારના ખોળામાં’ એમ બોલાય છે.