પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માણસિયો વાળો
૧૬૩
 

જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો.

“કાં ભાઈ મકરાણીઓ !” આપા બોલ્યા, “તમારે કાંઈ કામેકાજે નથી જાવું? ઊઠો ને એક આંટો મારી આવો ને !”

“ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.”

ત્રણસો મકરાણી જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી.

કલાક, બે કલાક, ત્રણ કલાક ! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપના રેંકડા પાછા વળ્યા, ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી.

માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા.

“આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું, “સાહેબે રજા આપી છે, જેતપુર પધારો.”

“કાં મળવા બોલાવ્યો’તો ને સાહેબને મળ્યા વગર કાંઈ જવાય?”

“માણસિયાભાઈ, સાહેબને નવરાશ નથી. હું એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.”

“ના ના, મેરામણભાઈ ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ.”

“કાઠી ! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે, એનો પાર ન આવે.”

“અને, મેરામણજીભાઈ ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે, ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”

એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.