પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માણસિયો વાળો
૧૬૫
 

પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો.

સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઈઓનાં મોઢાં શ્યામ બન્યાં.

માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યા.

ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યાઃ

ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણ ધણી.

આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.

પંડ પર ઝાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,
(તેં) કપાળુંમાં કોલ, માતાને આલેલ માણશી !

હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીનાં ખપ્પર ભરવાનો છૂપો કોલ દેવીને દીધો હતો !

ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,
તોરણ તરવારે, માંડવ વેસો માણસી !

તેં તલવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તલવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા !

નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,
કાંઉ સણીએ સરદાર, મરણ તાહળું માણસી !