પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

દેવીના યજ્ઞ-કુંડ જેવી સડસડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે ! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે :

જ્યોતિ પ્રળંબા,જગદમ્બા, આદ્ય અંબા ઈસરી,
વદન ઝળંબા, ચંદ બંબા, તેજ તમ્બા તું ખરી,
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ ૨મ્મણી.

જીય રાસ આવડ રમ્મણી,
જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લાં, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,
હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયું,
ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવાં જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વીસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિનાં આરાધન ઉપાડે છે :

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,
ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી,
માડી વક્કળ વેસીએ ઇસવરી.

મેઘમાળા ગાજી હોય એવો બુલાવો ખાઈને મોરલા મલ્હાર ગાવા લાગે છે. વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.