પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પરિશિષ્ટ ૨
'અણનમ માથાં'નું કથાગીત
[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય]

ચૌદ સવંત પાંસઠ સરસ,
પ્રસધ વખાણે પાત્ર,
અણદન વીસળ અવતર્યો,
ચારણ વ્રણ કુળ સાત.

સુપ્રસિદ્ધ સંવત ૧૪૬પમાં ચારણના સાત કુળમાં વીસળનો જન્મ થયો.

નિશાણી ૧

દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી
તું જગજણણી જોગણી પરમહુંત પરાણી
કોયલાપત કતિયાણી રવરજ રવરાણી !
દેવી દૈતવડારણી સાંભળ સરગાણી !
વદિયા હંસાવાહણી દે વેદક વાણી,
વિહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી.

બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો. પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા[૧] ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું.

૧૬૯

  1. **કોયલો ડુંગર પોરબંદર તાબે મિયાણી બંદર નજીક દરિયાઈ ટાપુ છે.