પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

“કાણા સારુ નમાં? માણહ માણહહીં કેવાનો નમે? હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દુજી આદ્યશક્તિ : એક બાપ અને દૂજી માવડી; આપણ સંધા તો ભાઈયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા ! નમીએં નહિ. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં. તો પછેં, બોલ્ય પાતશા, કાણા સારુ નમાં ?”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો :

“કાં સલામ દે, કાં લડાઈ લે.”

“હા ! હા! હા! હા!” હસીને વીસળભા બોલ્યો : “લડાઈ તો લિયાં, અબ ઘડી લિયાં. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા ! મોળો એક વેણ રાખો.”

“ક્યા હૈ ?”

“ભણેં પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસદારઃ તોળા પાસે તોપું, બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું, અને અમણી પાસે અક્કેક ખડગ: ભણેં લડાઈ લિયાં; પણ દારૂગોળો નહિ; આડહથિયારે. તોળા સૈકડામોઢે લડવૈયા; અમું બાર ભાઈબંધ : આવી જા. અમણા હાથ જોતો જા, અણનમ માથાં લેને કીમ કવળાસે જવાય ઈ જોતો જા !”

સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર-ભાલાં જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વીસળભા ! લડાઈ લેને આદો ! રંગ વીસળભા ! પાતશાની આગળ અણનમ રૈ'ને આદો !”