પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ભેળા થાશું.”

અગિયારે જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા-મૂઆના રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વીસળ બોલ્યો : “ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, હો કે ! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જેવા દેજો, હો!”

“હા, ભાઈ !”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજૂડી રબારણ હાલી આવે છે. આવીને એણે કુંડાળા ઢૂકડો ગોળો ઉતાર્યો. “વીહળ આપા ! આ પાણી !”

“માંજૂડી, બેટા, રંગ તને ! ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે, બેટા!”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી !’ – ‘જે ચંડી, જે જોગણી !’ની હાકલ દીધી. દોટ કાઢી. અગિયારે જણા પગપાળા. અને સામે —

હે જલંગા હંસલા કમંધ મકરાણી,
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,
ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,
જાણ શશંગી ઝોપીઆ સજાકયા પતાશાણી,
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,
સવરે વજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, કયાડા, માંકડા, અરબી, ખોરાસાની — એવા જાતજાતના પાણી પંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા ઘોડાને માથે મખમલનાં પલાણ માંડીને પઠાણો ઊતર્યા.