પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણનમ માથાં
૧૩
 


આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે, “આ કોણ? આ કોણ?”

અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડિયો ઓળખાણ દેતો જાય છે કે, “આ વીસળ ! આ ધાનરવ ! આ લખમણ.”

“મારા પીટ્યા !” માંજૂડીએ કાળવચન કહ્યું, “તને વાગે મારા વાશિયાંગનાં ભાલાં ! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવ’વું તું ને?”*[૧]

માંજૂડીની આંખમાં આંસુ આવ્યાં. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.

ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે ! તેજારવ આપા ! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.”

“એ ભાઈ, મને રોકો મા. તે દી છોડિયું છબે નો’તી રમી, પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં.”

છૂટીને તેજરવ દોડ્યો, છલંગ મારીને તેજારવ સોયા એ અગિયારે ભાઈબંધની ચિતા સામે ઊભીને બોલ્યો :

“વીહળભા, તમુ હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણે હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું


  1. * અને રબારણની વાણી સાચી પડી. વીસળને દીકરો વાશિયાંગ, જે આ યુદ્ધને ટાણે પારણામાં હીંચકતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.